ગાંધીધામ ટુડે, ન્યૂઝ – પૂર્વ કચ્છ એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાંચ) દ્વારા વરસામેડીની શાંતિધામ-1 સોસાયટીમાં દરોડો પાડી, રૂ. 20.72 લાખની કિંમતના 41.45 ગ્રામ હેરોઈન સાથે એક પંજાબી શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના ફરી એકવાર દર્શાવે છે કે કચ્છના ડ્રગ્સ નેટવર્કના તાર પંજાબના તરનતારણ સાથે જોડાયેલા છે.
એલસીબીના પીઆઈ એન.એન. ચુડાસમાએ જણાવ્યું કે, તેમને બાતમી મળી હતી કે, મૂળ પંજાબના તરનતારણનો નિર્મલસિંઘ સોહનસિંઘ મજબી વરસામેડીના તેના મકાનમાં બહારથી માદક પદાર્થ મંગાવી તેનું વેચાણ કરે છે. આ માહિતીના આધારે પોલીસ વડા સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ એલસીબીની ટીમે નિર્મલસિંઘના ઘરે દરોડો પાડ્યો હતો.
તપાસ દરમિયાન, ગાદલા નીચે છુપાવેલો રૂ. 20,72,500 ની કિંમતનો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં નિર્મલસિંઘે કબૂલ્યું કે તેણે આ જથ્થો તેના વતનના ગામ નજીક રહેતા અંગ્રેજસિંઘ જસ્સાસિંઘ મજબી પાસેથી મેળવ્યો હતો.
પોલીસે આરોપી પાસેથી હેરોઈન ઉપરાંત રેલવે ટિકિટ, બે મોબાઈલ ફોન (કિંમત રૂ. 10,500), રૂ. 4,345 રોકડા, અને આધારકાર્ડ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે નિર્મલસિંઘ અને અંગ્રેજસિંઘ બંને વિરુદ્ધ અંજાર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ કામગીરીમાં PSI ડી.જી. પટેલ અને એલસીબીની ટીમ જોડાઈ હતી.
આધાર-પુરાવા વગર ભાડે રહેવાનો કિસ્સો
આ ઘટનામાં એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે, આરોપી નિર્મલસિંઘ ભાડાના મકાનમાં કોઈ પણ આધાર-પુરાવા વિના રહેતો હતો. મકાન માલિકે બી-રોલ ભર્યા વગર જ તેને મકાન ભાડે આપી દીધું હતું. પોલીસે આરોપી પાસેથી મકાન માલિકના મોબાઈલ નંબર મેળવ્યા, પરંતુ તે તેનું નામ પણ જાણતો ન હતો. બહારથી આવતા લોકો દ્વારા આવા ગેરકાયદેસર કાર્યો થતા હોય છે ત્યારે મકાન ભાડે આપતી વખતે બી-રોલ ભરવું ફરજિયાત છે, તેમ છતાં આવા નિયમોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે.
આ અગાઉ પણ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં હાઈવે હોટેલો અને અન્ય સ્થળોએ પંજાબીઓ દ્વારા માદક દ્રવ્યોના વેચાણ અને હેરાફેરીના અનેક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જે આ પ્રદેશમાં ડ્રગ્સની હેરાફેરીનું જોખમ દર્શાવે છે.