ગાંધીધામ ટુડે, ન્યૂઝ :ખતરનાક ટાસ્ક આપતી વીડિયો ગેમ માસૂમ ભૂલકાઓના માનસ પર કેટલી ખતરનાક અસર કરે છે તેનો નમૂનો બગસરાના મોટા મુંજિયાસરની પ્રાથમિક શાળામાં સામે આવ્યો છે. જ્યાં વીડિયો ગેમના રવાડે ચડેલા એક બાળકે સાથી છાત્રોને હાથ પર બ્લેડના કાપા કરે તો 10 રૂપિયા આપવાની વાત કહેતા 40 છાત્રોએ પોતાના હાથ પર પેન્સિલના શાર્પનરથી પોતાને ઘાયલ કરી લીધા હતા. શિક્ષકોએ આઠ દિવસ મામલો છુપાવ્યા બાદ આખરે હવે ઘટના પોલીસ સુધી પહોંચી છે.

મોટા મુંજિયાસરની શાળામાં 300 છાત્રો અભ્યાસ કરે છે અને આસપાસનાં ગામોમાંથી પણ અહીં છાત્રો આવે છે. ધોરણ 7મા ભણતો એક છાત્ર બગસરાથી આવે છે. જેણે વીડિયો ગેમમાંથી પ્રેરણા લઇ પોતાના ધોરણના સાથી છાત્રોને જો બ્લેડથી તમારા હાથ પર ચરકા કરો તો તમને 10 રૂપિયા આપું અને ન કરો તો તમારે મને 5 રૂપિયા આપવાના તેવી વાત કરી હતી. જેના પગલે માસૂમ ભુલકાઓ પેન્સિલના શાર્પનરની બ્લેડ બહાર કાઢી હાથ પર ચરકા કરવા લાગ્યા હતા. બાદમાં તેમાં ધોરણ 5ના છાત્રો પણ જોડાયા હતા. અને જોતજોતામા શાળાના 40 છાત્રોએ પોતાના હાથ પર શાર્પનરથી અનેક ચરકા કરી ખુદને ઘાયલ કરી લીધા હતા.

શાળાના સંચાલકો સુધી આ વાત પહોંચતા તેમણે વાલીને જાણ કરવાને બદલે છાત્રોને એવી સૂચના આપી હતી કે ઘરે કોઇને વાત કરતા નહીં. જેને પગલે માસૂમ છાત્રોએ પરિવારને જાણ કરી ન હતી. જે કોઇ વાલીએ પૂછપરછ કરી તેમને રમતાં રમતાં વાગી ગયું છે તેવો જવાબ મળ્યો છે. પરંતુ એક વાલી સુધી સમગ્ર ઘટનાની વાત પહોંચતા સ્કૂલમાં જઇ પૂછપરછ કરાઇ હતી.

મામલો બહાર આવતા આખરે શાળાના પ્રિન્સિપાલ દ્વારા વાલી મિટિંગ પણ બોલાવવામાં આવી હતી અને છાત્રો પાસે અમારી ભૂલ થઇ ગઇ, હવે આવું નહીં કરીએ એવું લખાણ લેવાયું હતું. જો કે ગામના સરપંચ જયસુખ ખેતાણી ઉપરાંત રસિક રાઠોડ, શૈલેષ સતાસિયા, મયૂર પરમાર, રહેમ પરમાર, મનુભાઇ રાઠોડ, એન.એન.રાઠોડ, ડી.એમ.ચૌહાણ વગેરેએ આજે બગસરા પોલીસ મથકે દોડી જઇ બાળકોના હાથ પર બ્લેડથી થયેલા હુમલા અંગે ઊંડી તપાસની માંગણી કરી હતી.

ઘાયલ થનારા વિદ્યાર્થીઓ ધોરણ 5,6 અને 7મા અભ્યાસ કરી રહ્યાં છે. શાળા સંચાલકોએ જવાબદારી પરથી હાથ ખંખેરવા ઉપરાંત હવેથી બાળકોની તમામ જવાબદારી વાલીની રહેશે તેવું લખાણ લેવા પણ પ્રયાસ કર્યો હતો. માસૂમ છાત્રોના હાથમાં મોબાઇલ કેટલો જોખમી બની રહ્યો છે તેનાં આ ગંભીર ઉદાહરણથી વાલીઓ ચિંતિત છે.

બગસરાના પીએસઆઇ સાળુંકેએ જણાવ્યું હતુ કે મોડી સાંજે વાલી અને સરપંચ દ્વારા તેમને આ ઘટનાની અરજી આપવામા આવી છે. આવતીકાલે શાળા ખૂલવાના સમયે જ તપાસ કરીશું.

મોટા મુંજિયાસરના સરપંચ જયસુખ ખેતાણીએ પોલીસને અરજી આપી આ પ્રકરણમાં શાળાના જવાબદારોની ઘોર બેદરકારી સામે આવી હોઇ આ ગુનાહિત બેદરકારી માટે કાર્યવાહીની માગ કરી હતી.
ગામના રસિકભાઇ રાઠોડ કહે છે..ઘટના આઠ દિવસ પહેલાંની છે. એક બાળકની માતા તેને નવડાવી રહી હતી ત્યારે પૂછ્યું પણ હતું કે હાથ પર શું થયું છે ? ત્યારે શિક્ષકના ડરથી ઘટના છુપાવી છાત્રએ થોડું વાગી ગયું છે તેવો જવાબ આપ્યો હતો.
મોટા મુંજિયાસર પ્રાથમિક શાળાના આચાર્ય હર્ષાબેન મકવાણાએ જણાવ્યું હતું કે કોઇ વીડિયો ગેમના આધારે રમત રમી બાળકોએ જાતે હાથ પર કાપા માર્યા હતા. અમને જાણ થતાં બીજા દિવસે વાલી મિટિંગ બોલાવી સમજાવટ કરી હતી. બાળકોના શરીરે સામાન્ય ઘા હતા.
આ ઘટનામાં તમામ છાત્રોએ માત્ર એક જ શાર્પનરથી પોતાને ઇજા પહોંચાડી હોય તો મામલો વધુ ગંભીર બની જાય છે જે તપાસનો વિષય છે. ઉપરાંત આ ઘટના બાદ એકપણ બાળકને ધનુર ઇન્જેક્શન આપવાની તસ્દી લેવાઈ નહોતી.