ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ત્રણ દિવસથી ચાલતી દબાણ હટાવવાની ઝુંબેશ હિંસક બની છે. આ ઝુંબેશમાં દુકાન ગુમાવનારા પિતા-પુત્રએ મહંત અને તેમના ચેલાઓ પર હુમલો કર્યો હતો. મહંતના કહેવાથી તેમની દુકાન તોડી પાડવામાં આવી હોવાની આશંકા રાખીને આ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ બંને પક્ષે પોલીસમાં ક્રોસ ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે સર્વેશ્વર મહાદેવ મંદિરના મહંત દેવેન્દ્રગિરિ ગુરુ અલમસ્તગિરિએ ફરિયાદ નોંધાવી છે. તેમણે જણાવ્યું કે, ૧૭મી તારીખે મહાનગરપાલિકા દ્વારા મંદિરના ગેટ પાસે આવેલી ચુનીલાલ જીવણભાઈ સથવારાની દુકાન તોડી પાડવામાં આવી હતી. આ ઘટના બાદ ચુનીલાલ અને તેમનો પુત્ર શૈલેષ મંદિરે આવ્યા હતા. તેઓએ મહંતને ગાળો બોલી, “તમારા કહેવાથી મનપાએ અમારી દુકાન તોડી પાડી છે” તેવું કહીને ધક્કો માર્યો હતો, જેના કારણે મહંતને ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થઈ હતી. જ્યારે તેમના ચેલાઓ સુરેશપૂરી અને ધનંજય વચ્ચે પડતાં તેમને પણ લાકડી વડે માર મારવામાં આવ્યો હતો.
આ ફરિયાદ નોંધાયા બાદ સામા પક્ષે ચુનીલાલ સથવારાએ પણ પોલીસમાં ક્રોસ ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું કે, દબાણ હટાવવાની કામગીરી બાદ તેઓ મહંત સાથે સીમાંકન બાબતે વાત કરી રહ્યા હતા. તે દરમિયાન મંદિરમાં નિયમિત આવતા વિમલ જયંતિભા ગઢવી નામના વ્યક્તિએ આવીને “તમારી જે દુકાન હતી તે પડી ગયેલ છે. હવે અહીં તમારો કોઈ હક નથી” તેમ કહીને તેમણે માર મારવા લાગતાં તેમનો પુત્ર વચ્ચે પડતાં તેને લાકડી વડે માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.
પોલીસે બંને પક્ષની ફરિયાદો નોંધીને સમગ્ર મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના બાદ શહેરમાં દબાણ હટાવવાની કામગીરી અને તેના સંભવિત પરિણામો અંગે ચર્ચા ચાલી રહી છે.