વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ

વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ વક્ફ સંશોધન બિલ પસાર થતાં જ કાયદામાં થશે આ 10 મોટા ફેરબદલ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : લોકસભામાં ગઈકાલે વકફ સંશોધન બિલ પર 12 કલાક સુધી ચર્ચા કર્યા બાદ અંતે મંજૂરી આપવામાં આવી. આજે રાજ્યસભામાં બિલ પસાર કરવામાં આવશે. 520 સાંસદોમાંથી 288 સાંસદોએ બિલના પક્ષમાં જ્યારે 232 સાંસદોએ વિરોધમાં મત આપ્યા હતાં.

લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેને ઉમ્મીદ (યુનિફાઇડ વક્ફ મેનેજમેન્ટ એમ્પાવરમેન્ટ, કાર્યક્ષમતા અને વિકાસ-UMEED) નામ આપ્યું છે. રાજ્યસભામાં મંજૂરી મળ્યા બાદ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવશે.

વક્ફ સુધારા બિલ 2025 અંગે જાણવા જેવી 10 બાબતો

1) વક્ફનો તમામ ડેટા ઓનલાઈન મુકાશે

વક્ફ બોર્ડ એમેન્ડમેન્ટ બિલ મંજૂર થતાં જ વક્ફ કાયદામાં મોટા ફેરફારો થશે. કાયદાના અમલના 6 મહિનાની અંદર દરેક વક્ફ મિલકતને કેન્દ્રીય ડેટાબેઝ પર રજીસ્ટર કરાવવી ફરજિયાત રહેશે. વક્ફમાં આપવામાં આવેલી જમીનની સંપૂર્ણ વિગતો 6 મહિનામાં ઓનલાઈન પોર્ટલ પર અપલોડ કરવાની રહેશે અને કેટલાક કિસ્સાઓમાં આ સમય મર્યાદા વધારી પણ શકાય છે.

2) જમીનનો ઓનલાઈન ડેટાબેઝ

વક્ફને દાનમાં આપવામાં આવેલી દરેક જમીનનો ઓનલાઈન ડેટાબેઝ હશે અને વક્ફ બોર્ડ આ મિલકતો વિશે કોઈપણ માહિતી છુપાવી શકશે નહીં. કઇ વ્યક્તિએ કઈ જમીન દાનમાં આપી, તેને તે જમીન ક્યાંથી મળી, વક્ફ બોર્ડને તેમાંથી કેટલી આવક થાય છે, તે મિલકતની દેખરેખ રાખનાર ‘મુતવ્વલી’ને કેટલો પગાર મળે છે, વગેરેની માહિતી ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ થશે. તેનાથી વક્ફ પ્રોપર્ટીમાં પારદર્શિતા આવશે અને વક્ફને થતું નુકસાન પણ ઘટશે.

3) નોન-મુસ્લિમને સામેલ કરવા અનિવાર્ય

નવા બિલમાં વક્ફ બોર્ડમાં નોન-મુસ્લિમને સામેલ કરવાની જોગવાઈ છે. તેમજ બે મહિલાઓને પણ સામેલ કરવામાં આવશે. તેમજ નિમણૂક કરવામાં આવેલા સાંસદ અને પૂર્વ જજનું મુસ્લિમ હોવુ જરૂરી નથી. આ જોગવાઈથી વક્ફમાં પછાત અને ગરીબ મુસ્લિમોને સ્થાન મળશે. તેમજ મુસ્લિમ મહિલાઓની ભાગીદારી વધશે. જેમાં શિયા, સુન્ની અને પછાત મુસ્લિમોમાંથી એક-એક સભ્ય પણ અનિવાર્ય રહેશે. વ્હોરા અને આગાખાની સમુદાયોના લોકો પણ સભ્ય બની શકશે.

4) વિવાદોનો ઉકેલનો અધિકાર અધિકારી પાસે

કોઈપણ વિવાદના કિસ્સામાં, રાજ્ય સરકારના અધિકારીને તે ખાતરી કરવાનો અધિકાર હશે કે મિલકત વક્ફની છે કે સરકારની. જોકે, વિપક્ષે બિલની આ જોગવાઈઓ સામે સખત વિરોધ નોંધાવ્યો છે. વિપક્ષી સાંસદોનું કહેવું છે કે અધિકારીઓ સરકારની તરફેણમાં નિર્ણય લેશે અને અધિકારીઓને કોઈપણ વિવાદના સમાધાન માટે કેટલા દિવસ લાગશે તે નક્કી નથી.

5) સિવિલ કોર્ટ અથવા હાઈકોર્ટમાં અપીલ કરી શકાશે

લોકસભા દ્વારા પસાર કરાયેલા બિલમાં કહેવામાં આવ્યું છે કે હવે માત્ર દાનમાં મળેલી સંપત્તિ જ વક્ફની રહેશે. જમીનનો દાવો કરનારી ટ્રિબ્યુનલ રેવન્યુ કોર્ટમાં અપીલ કરી શકશે. ઉપરાંત, સિવિલ કોર્ટ અથવા હાઈકોર્ટમાં ટ્રિબ્યુનલના નિર્ણયને પડકારી શકાય છે. આ કિસ્સામાં, લોકોને વક્ફ ટ્રિબ્યુનલના નિર્ણય સામે 90 દિવસમાં રેવન્યુ કોર્ટ, સિવિલ કોર્ટ અને હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવાનો અધિકાર મળશે, જે વર્તમાન કાયદામાં નથી.

6) સરકારને વક્ફ ખાતાઓનું ઓડિટ કરવાનો અધિકાર

કેન્દ્ર અને રાજ્ય સરકારોને વક્ફના હિસાબોનું ઓડિટ કરવાની સત્તા હશે, જેનાથી કોઈપણ પ્રકારનો ભ્રષ્ટાચાર અટકાવી શકાશે. વક્ફ બોર્ડ સરકારને કોઈપણ માહિતી આપવાનો ઈન્કાર કરી શકે નહીં અને વક્ફ બોર્ડ એવું પણ ન કહી શકે કે જો કોઈ જમીનનો સેંકડો વર્ષ પહેલાં કોઈ ધાર્મિક હેતુ માટે ઉપયોગ થતો હોય તો તે જમીન તેની પોતાની છે. તમને જણાવી દઈએ કે વર્ષ 1950માં વક્ફ બોર્ડ પાસે સમગ્ર દેશમાં માત્ર 52 હજાર એકર જમીન હતી જે વર્ષ 2009માં વધીને 4 લાખ એકર અને 2014માં વધીને 6 લાખ એકર થઈ ગઈ છે અને હવે વર્ષ 2025માં વકફ બોર્ડ પાસે દેશમાં કુલ 9.40 લાખ એકર જમીન છે.

7) મહિલાઓને વક્ફની જમીન પણ વારસામાં મળશે

કોઈપણ વ્યક્તિ પોતાના નામે રજિસ્ટર્ડ જમીન જ દાનમાં આપી શકશે. વક્ફ એવી મિલકતોનો દાવો પણ કરી શકશે નહીં કે જ્યાં કોઈ વ્યક્તિએ કોઈ બીજાના નામે રજિસ્ટર્ડ જમીન દાનમાં આપી હોય. તે ગેરકાયદેસર ગણવામાં આવશે. ખાસ વાત એ છે કે ‘વક્ફ-અલ-ઔલાદ’ હેઠળ મહિલાઓને પણ વક્ફ જમીનમાં વારસદાર ગણવામાં આવશે. મતલબ કે જે પરિવારે ‘વક્ફ-અલ-ઔલાદ’ માટે વક્ફ જમીન દાનમાં આપી છે, તે જમીનની આવક માત્ર તે પરિવારના પુરૂષોને જ નહીં, પરંતુ મહિલાઓનો પણ તેમાં હિસ્સો હશે.

8) સરકારી મિલકતો પર દાવો કરવો મુશ્કેલ

જે સરકારી મિલકતો પર વક્ફ દાવો કરી રહ્યું છે તે પ્રથમ દિવસથી જ વક્ફની મિલકત ગણાશે નહીં. જો એવો દાવો કરવામાં આવે છે કે કોઈપણ સરકારી મિલકત વક્ફની છે, તો આવી સ્થિતિમાં રાજ્ય સરકાર મામલાની તપાસ કરશે. તપાસ હાથ ધરનાર અધિકારી કલેક્ટરથી ઉપર રહેશે. જો તપાસ રિપોર્ટમાં વક્ફનો દાવો ખોટો જણાશે તો સરકારી મિલકતની સંપૂર્ણ વિગતો રેવન્યુ રેકોર્ડમાં નોંધવામાં આવશે.

9) આદિવાસીઓ જમીન પર વકફ કરી શકશે નહીં

વકફ (સુધારા) બિલ 2025માં આદિવાસીઓની જમીનોને વક્ફ તરીકે જાહેર કરી શકાશે નહીં. ભારતમાં આદિવાસી સમુદાયોની જમીનને બંધારણની પાંચમી અને છઠ્ઠી સૂચિ હેઠળ ઓળખવામાં આવી છે અને તેનું રક્ષણ કરવામાં આવ્યું છે. આ જમીનો તેમની સંસ્કૃતિ, આજીવિકા અને ઓળખનો ભાગ છે. નવા નિયમ હેઠળ, જો કોઈ જમીન આદિવાસી સમુદાયની છે, એટલે કે, જે ભારતના બંધારણ હેઠળ અનુસૂચિત જનજાતિના નામે નોંધાયેલ છે અથવા તેમના પરંપરાગત અધિકારક્ષેત્ર હેઠળ આવે છે, તો વક્ફ બોર્ડ તે જમીનનો કબજો લઈ શકશે નહીં. તેમજ કોઈ મુસ્લિમ આદિવાસી સમુદાયની આ જમીન વક્ફ માટે દાનમાં આપી શકશે નહીં.

10) કલમ 40 નાબૂદ

વક્ફ (સુધારા) બિલ, 2025માં જૂના કાયદાની કલમ 40 દૂર કરવાનો પ્રસ્તાવ એક મોટો ફેરફાર છે. કાયદાની કલમ 40માં જોગવાઈ હતી કે મિલકત વક્ફ છે કે નહીં તે નક્કી કરવાની અંતિમ સત્તા વક્ફ બોર્ડ પાસે છે. જેમાં કોઈપણ નક્કર પુરાવા અથવા કોર્ટના નિર્ણય વિના, વક્ફ બોર્ડ જાતે જ નિર્ણય લઈ શકે છે. આ કલમનો વક્ફ બોર્ડે ઘણો દુરુપયોગ કર્યો હોવાથી તેને નાબૂદ કરવામાં આવી છે.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *