ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગુજરાતમાં ઉનાળાની તીવ્ર ગરમી વચ્ચે પાણીનું ગંભીર સંકટ સર્જાયું છે. રાજ્યના મોટાભાગના જળાશયોમાં જળસ્તર નોંધપાત્ર રીતે ઘટ્યું છે. હાલની સ્થિતિ મુજબ 54 જેટલા જળાશયોમાં જળસ્તર 10 ટકા થી પણ ઓછું રહ્યું છે, જ્યારે 6 જળાશયો સંપૂર્ણપણે સુકાઈ ગયા છે. પરિણામે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં હવે પાણી માટે ટેન્કરો પર નિર્ભરતા વધી રહી છે.
વિશેષ કરીને ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારમાં પીવાના પાણી માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે. ખેડૂતોના પાક માટે પણ પાણી મળવું મુશ્કેલ બન્યું છે. બીજી તરફ, નગર અને ગ્રામ પંચાયતો દ્વારા પાણી વિતરણના આયોજન માટે ચિંતાનું મોજુ છે.
ત્યાં બીજી તરફ રાજ્યમાં કેટલાંક જળાશયોની સ્થિતિ હજી પણ રાહતદાયક છે. 70 ટકા કરતા વધુ જળસંગ્રહ ધરાવતા મુખ્ય જળાશયોમાં રાજકોટના આજી-2, ન્યારી-2, ભાદર-2, મચ્છુ-2, મહિસાગરના વણાકબોરી, સુરેન્દ્રનગરના ધોળી ધજા, કચ્છનો કાલાઘોઘા, જૂનાગઢનો ઓઝત-વીર, છોટા ઉદેપુરનો સુખી અને ભરૂચનો ધોળી સામેલ છે.
ગત વર્ષે 17 મે સુધી રાજ્યમાં સરેરાશ 43% જળસ્તર હતું, જ્યારે આ વર્ષે થોડી સુધારેલી સ્થિતિ જોવા મળે છે, તેમ છતાં મોટાભાગના વિસ્તારોમાં પાણીની તંગી જળવાઈ રહી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્રને આવી સ્થિતિમાં વ્યવસ્થિત આયોજન કરવાની જરૂર છે.