ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના આર્થિક પાટનગર ગણાતા ગાંધીધામ શહેરમાં ઉનાળાની શરૂઆત થતા જ પાણીની તીવ્ર કટોકટી સર્જાઈ છે. શહેરને પાણી પૂરું પાડતા ટપ્પર ડેમમાંથી પાણીનો પુરવઠો ઘટતા અનેક વિસ્તારોમાં પાણી માટે પોકાર ઉઠ્યો છે. વધતી જતી ગરમી વચ્ચે પાણીની માંગણી આસમાને પહોંચી છે, ત્યારે ડેમમાંથી પૂરતું પાણી ન મળવાના કારણે નાગરિકો ખાનગી ટેન્કરો પાસેથી મોંઘું પાણી ખરીદવા માટે મજબૂર બન્યા છે.
શહેરના આદિપુર, ગળપાદર અને સેક્ટર જેવા વિસ્તારોમાં પાણીની પરિસ્થિતિ અત્યંત ગંભીર છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, નગરપાલિકા દ્વારા કરવામાં આવતું પાણીનું વિતરણ એટલું ઓછું છે કે તે તેમની રોજિંદી જરૂરિયાતો પણ પૂરી કરી શકતું નથી. આના પરિણામે સામાન્ય પરિવારોને 500થી 800 રૂપિયા સુધીના ખર્ચે ટેન્કર મંગાવવાની ફરજ પડી રહી છે, જે તેમના આર્થિક બોજમાં વધારો કરી રહ્યું છે.
સ્થાનિક રહેવાસીએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે, “અમને બે-ત્રણ દિવસે માંડ થોડું પાણી મળે છે, જે ઘરના કામકાજ માટે પણ પૂરતું નથી. ટેન્કરનો ખર્ચો અમારા બજેટને ખોરવી નાખે છે, પરંતુ અમારી પાસે બીજો કોઈ વિકલ્પ નથી.” અન્ય એક મહિલા રહેવાસીએ જણાવ્યું હતું કે, “નગરપાલિકાએ આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઈએ. ઉનાળામાં આવી પરિસ્થિતિ સહન કરવી મુશ્કેલ છે.”
સૂત્રોના જણાવ્યા અનુસાર, ટપ્પર ડેમથી પાણી વરસામેડી અને ત્યાંથી મોટરો દ્વારા રામબાગ સંપ સુધી પહોંચે છે. પરંતુ વારંવાર થતા વીજકાપ અને મોટરોમાં આવતી ખામીઓના કારણે ગાંધીધામ સંપમાં માત્ર 17 થી 27 એમએલડી જેટલું જ પાણી પહોંચી રહ્યું છે. જ્યારે શહેરની કુલ જરૂરિયાત આશરે 40 એમએલડી છે. આ જ કારણોસર શહેરના તમામ વિસ્તારોમાં પૂરતા પ્રમાણમાં પાણીનું વિતરણ થઈ શકતું નથી.
મહાનગરપાલિકાના એક અનામી અધિકારીએ જણાવ્યું હતું કે, “અમે શક્ય તેટલું નિયમિત પાણી વિતરણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, પરંતુ ડેમમાંથી પાણીનો પુરવઠો ઓછો હોવાથી સમસ્યા સર્જાઈ રહી છે. અમે પાણીની વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે પ્રયત્નશીલ છીએ.”
હાલમાં તો ગાંધીધામના નાગરિકો નગરપાલિકા અને જળ વ્યવસ્થાપન વિભાગ પાસે તાત્કાલિક ધોરણે પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. આ સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક વધુ ટેન્કરોની વ્યવસ્થા કરવી, નર્મદા નહેરમાંથી પાણીનો પુરવઠો વધારવો અને ટપ્પર ડેમની ક્ષમતામાં સુધારો કરવો જેવા પગલાં લેવા અત્યંત જરૂરી છે. જો તાત્કાલિક કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે તો, ઉનાળાના બાકીના દિવસોમાં ગાંધીધામ શહેર પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરી શકે છે. ત્યારે જોવાનું એ રહે છે કે તંત્ર આ પોકારને સાંભળીને ક્યારે અને કેવા પગલાં ભરે છે.