ગાંધીધામ ટુડે, ન્યૂઝ : પશ્ચિમ કચ્છ પોલીસે સ્થાનિક સ્તરે ગુનાખોરી ડામવા માટે સક્રિય કામગીરી શરૂ કરી દીધી છે. તાજેતરમાં ચોરી અને દારૂની હેરાફેરી સહિતના ગુનાઓના ભેદ ઉકેલવામાં LCBને મોટી સફળતા મળી છે. આ વચ્ચે હવે કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો ઝડપી પાડી પશ્ચિમ કચ્છ LCBએ વધુ એક સપાટો બોલાવ્યો છે.
લોકલ ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, માંડવીના યુવરાજસિંહ વજુભા જાડેજા અને અબડાસાના જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા પોતાના સાગરીતો સાથે મળીને ગુજરાત બહારથી ગેસના ટેન્કરની આડમાં ગેરકાયદેસર રીતે દારૂનો મોટો જથ્થો મંગાવી રહ્યા છે. આ બાતમીના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી.
પોલીસને માહિતી મળી હતી કે યુવરાજસિંહ જાડેજા પોતાની સફેદ ફોર્ચ્યુનર કારથી ટેન્કરનું પાયલોટિંગ કરી તેને મુંદરાથી માંડવી લાવી રહ્યો છે. આ બાતમીના આધારે મુંદરા-માંડવી રોડ પર તલવાણા ગામ પાસે આવેલી હોટલ ઓમ બન્ના નજીક ઊભેલા ટેન્કરની તપાસ કરતા પોલીસ ચોંકી ઉઠી હતી. ટેન્કરમાંથી કરોડો રૂપિયાનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસે ટેન્કરની સઘન તપાસ કરતા તેમાંથી 26,179 દારૂની બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત રૂ. 1,53,86,500/- થાય છે. LCBએ આ મામલે રાજસ્થાનના કૃષ્ણકુમાર માલારામ જાટ (ચૌધરી), લોકેન્દ્રસિંહ પુરનસિંહ રાજપૂત અને માંડવીના રામદેવસિંહ ઉર્ફે રૂતુરાજસિંહ પ્રવિણસિંહ જાડેજાની ધરપકડ કરી છે.
આરોપીઓ દારૂનું કટિંગ કરે તે પહેલા જ પોલીસે દારૂ સહિત કુલ રૂ. 1,64,26,500/-નો મુદ્દામાલ જપ્ત કરીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે, આ પ્રકરણમાં પાયલોટિંગ કરનાર યુવરાજસિંહ વજુભા જાડેજા અને જીતુભા ઉર્ફે જીતીયો મંગળસિંહ સોઢા પોલીસને હાથ લાગ્યા નથી. આ બંને પોલીસ ચોપડે લિસ્ટેડ બુટલેગર તરીકે નોંધાયેલા છે અને પોલીસે તેમને પકડવા માટે વધુ તપાસ શરૂ કરી છે. ઝડપાયેલો મુદ્દામાલ કોડાય પોલીસને સુપ્રત કરવામાં આવ્યો છે. રેન્જ આઈ.જી. અને એસ.પી.ની સૂચનાથી પશ્ચિમ કચ્છના ઇન્ચાર્જ પી.આઈ. સહિત એલ.સી.બી.નો સ્ટાફ આ કામગીરીમાં જોડાયો હતો.