ગાંધીધામ ટુડે, ન્યૂઝ : હાલમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નજીક છે ત્યારે ગુજરાતમાં સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડને લઈને રાજ્ય સરકારે મહત્ત્વની જાહેરાત કરી છે. આ પહેલાં 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાં પણ આ જ રીતે કમિટીની જાહેરાત કરી હતી. દેશમાં ફરી એકવાર યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક સંહિતા બાબતે ચર્ચાઓ જાગી છે. આ કાયદોનો મુખ્ય હેતુ એક દેશમાં બધા માટે એક સમાન કાયદો લાગુ કરવાના સંકેત હાલની સરકાર આપી રહી છે. તો સમજીએ સરળ ભાષામાં કે આખરે આ કાયદો શું છે?
શું છે યુનિફોર્મ સિવિલ કોડ?
યુનિફોર્મ સિવિલ કોડમાં દેશના તમામ ધર્મો અને સમુદાયો માટે સમાન અને એક સરખા કાયદા બનાવવાની હિમાયત કરવામાં આવી છે. વિવિધ ધર્મના આધારે હાલના વિવિધ કાયદાઓ એક રીતે બિનઅસરકારક બની જાય છે. જો સરળ ભાષામાં કહેવામાં આવે તો આ કાયદાનો અર્થ એ છે કે દેશમાં તમામ ધર્મો અને સમુદાયો માટે કાયદો સમાન હશે, જે સંસદ દ્વારા નક્કી કરવામાં આવશે.
બંધારણની કલમ 44 હેઠળ યુનિફોર્મ સિવિલ કોડ આવે છે. જે જણાવે છે કે રાજ્ય સમગ્ર ભારતમાં નાગરિકો માટે યુનિફોર્મ સિવિલ કોડ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરશે. આ કલમ હેઠળ દેશમાં આ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવાની માંગ કરવામાં આવી છે. આ પાછળનો તર્ક વસ્તીને નિયંત્રિત કરવાનો છે.
યુનિફોર્મ સિવિલ કોડ અનુસાર બધા ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક અને મિલકતમાં બધા માટે એક જ નિયમ લાગુ કરવો. તેમજ પરસ્પર સંબંધો અને પરિવારના સભ્યોના અધિકારોમાં સમાનતા આપવી. આ ઉપરાંત વ્યક્તિની જાતિ, ધર્મ કે પરંપરાના આધારે નિયમોમાં કોઈ છૂટછાટ આપવી નહિ. તેમજ કોઈ ચોક્કસ ધર્મ માટે કોઈ અલગ નિયમ નહિ.
જો UCC લાગુ થશે તો શું થશે?
UCC અંતર્ગત દરેક સમુદાય કે ધર્મ માટે લગ્ન, છૂટાછેડા, દત્તક, સંપતિ જેવી બાબતોમાં બધા માટે એક જ કાયદો લાગુ થશે. ઉદાહરણ તરીકે જે કાયદો હિંદુ ધર્મ માટે હશે તે જ કાયદો અન્ય ધર્મ માટે પણ હશે. તેમજ છૂટાછેડા આપ્યા વગર બીજા લગ્ન નહિ કરી શકાય. શરીયત મુજબ મિલકતના ભાગ નહિ પડે.
UCCના અમલીકરણથી શું બદલાશે નહિ?
UCCના અમલીકરણથી ધાર્મિક માન્યતાઓ કે રિવાજોમાં કોઈ જ બાબત નહિ બદલાય. આ ઉપરાંત લોકોના ખાનપાન, પૂજા, ડ્રેસિંગ વગેરે પર કોઈ અસર નહિ.
ભારતમાં UCC લાગુ કેમ નથી થઈ શક્યું?
યુનિફોર્મ સિવિલ કોડનો ઉલ્લેખ પહેલીવાર 1835માં એટલે કે બ્રિટીશકાળમાં થયો હતો. તે સમયે બ્રિટિશ સરકારના અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે ગુનાઓ, પુરાવા અને કરાર જેવા મુદ્દાઓ પર સમાન કાયદા લાગુ કરવાની જરૂર છે. ભારતીય બંધારણની કલમ 44 તમામ નાગરિકો માટે સમાન કાયદાના અમલીકરણની વાત કરે છે. પરંતુ ભારતીય સંસ્કૃતિની વિવિધતાના કારણે એક જ પરિવારના સભ્યો પણ કોઈવાર અલગ-અલગ રિવાજોનું પાલન કરતા હોય છે તેથી હજુ સુધી ભારતમાં તેનો અમલ થયો નથી. ભારતમાં વસ્તીના આધારે હિંદુઓની બહુમતી છે. તેમાં છતાં અલગ અલગ રાજ્યોમાં તેમના રિવાજોમાં તફાવત જોવા મળે છે. આ ઉપરાંત દેશમાં શીખ, જૈન, બૌદ્ધ, ખ્રિસ્તી અને મુસ્લિમ વગેરે જેવા તમામ ધર્મોના લોકોના પોતાના અલગ કાયદાઓ છે. આવી સ્થિતિમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો ખૂબ જ અઘરો છે.
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ, સ્વતંત્ર ભારતનું પ્રથમ રાજ્ય
યુનિફોર્મ સિવિલ કોડના અમલ માટે ઉત્તરાખંડ સરકાર દ્વારા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં લગ્ન-નિકાહ, છૂટાછેડા-તલાક, સંપત્તિ, પુત્રીઓના અધિકારો, લિવ-ઇન રિલેશનશિપની નોંધણી સહિતના પારિવારિક મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા છે અને નિયમો તમામ ધર્મના લોકોને એક સમાન રીતે લાગુ રહેશે, એટલે કે ઉત્તરાખંડમાં હવેથી હિન્દુ, મુસ્લિમ કે ખ્રિસ્તી વગેરેના જે ધર્મ આધારીત પર્સનલ લૉ હતા તેનો અમલ રદ કરવામાં આવશે અને એક સમાન કાયદો બધા માટે લાગુ કરી દેવામાં આવ્યો છે. લગ્નની નોંધણીથી લઈને છૂટાછેડા કે તલાક વગેરેની પ્રક્રિયા તમામ ધર્મના લોકો માટે એક સમાન રહેશે. લગ્ન કે નિકાહની લઘુતમ વય મર્યાદા પણ દરેક માટે એક સરખી રહેશે.
ઉત્તરાખંડના આદિવાસીઓને બાદ કરીને તમામ નાગરિકોને આ યુસીસી લાગુ રહેશે. યુસીસી લાગુ કરવા માટે ગ્રામીણ વિસ્તારમાં એસડીએમ રજિસ્ટ્રાર અને ગ્રામ પંચાયત વિકાસ અધિકારી સબ રજિસ્ટ્રાર રહેશે, નગર પંચાયતો અને નગર પાલિકાઓમાં સંબંધિત એસડીએમ રજિસ્ટ્રાર અને કાર્યકારી અધિકારી સબ રજિસ્ટ્રાર રહેશે. ટોચના સ્તરે રજિસ્ટ્રાર જનરલ હશે જે સચિવ સ્તરના અધિકારી કે ઇન્સ્પેક્ટર જનરલ ઑફ રજિસ્ટ્રેશન રહેશે.
સમગ્ર વિશ્વમાં યુનિફોર્મ સિવિલ કોડ ક્યાં લાગુ કરવામાં આવ્યો છે?
વિશ્વમાં એવા ઘણા દેશો છે કે જ્યાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ યાદીમાં અમેરિકા, આયર્લૅન્ડ, પાકિસ્તાન, બાંગ્લાદેશ, મલેશિયા, તુર્કી, ઈન્ડોનેશિયા, સુદાન, ઈજીપ્ત જેવા ઘણા દેશોના નામ સામેલ છે. યુરોપમાં એવા ઘણા દેશો છે, જે ધર્મનિરપેક્ષ કાયદાનું પાલન કરે છે, જ્યારે ઇસ્લામિક દેશો શરીયા કાયદાનું પાલન કરે છે.