ગાંધીધામ ટુડે, ન્યૂઝ: ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર મોટી હલચલ જોવા મળી રહી છે. ગઈકાલે રાત્રે અચાનક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખને દિલ્હી બોલાવવામાં આવતાં રાજ્ય સરકારના પ્રધાનમંડળના વિસ્તૃતીકરણની અટકળોએ જોર પકડ્યું છે. આગામી થોડાક દિવસોમાં સરકાર અને સંગઠનમાં મોટા પાયે ફેરફારોના સંકેત મળી રહ્યા છે, જેને પગલે કોને દિવાળી ફળશે તેની ચર્ચાઓએ વેગ પકડ્યો છે.
કચ્છની અવગણનાનો અંત આવશે?
વર્તમાન ભૂપેન્દ્ર પટેલના 16 મંત્રીઓના મંડળમાં કચ્છને સ્થાન મળ્યું નથી. કચ્છની તમામ છ વિધાનસભા બેઠકો પર ભાજપના ધારાસભ્યો ચૂંટાયા હોવા છતાં, અઢી વર્ષના કાર્યકાળમાં કચ્છમાંથી કોઈને મંત્રીમંડળમાં પસંદગી મળી નહોતી. હવે સરકારનો અડધો કાર્યકાળ પૂરો થવા જઈ રહ્યો છે, ત્યારે આ વિસ્તરણમાં કચ્છની અવગણનાનો અંત આવશે કે કેમ તે મોટો સવાલ છે. સંગઠનમાં પ્રદેશ મંત્રી તરીકે વિનોદ ચાવડાને જવાબદારી સોંપાઈ છે, પરંતુ મંત્રીમંડળમાં સ્થાન માટે કચ્છના નેતાઓમાં સળવળાટ શરૂ થયો છે.

જ્ઞાતિ સમીકરણો પર આધારિત નામોની ચર્ચા
નવા મંત્રીમંડળમાં કચ્છમાંથી કોને સ્થાન મળે તેની ગડમથલ ચાલી રહી છે, જેમાં જ્ઞાતિ સમીકરણો મહત્વનો ભાગ ભજવે તેવી સંભાવના છે. સંભવિત નામોમાં નીચે મુજબના નેતાઓની ચર્ચા છે:
- અનિરુદ્ધભાઈ દવે (માંડવીના ધારાસભ્ય): જો બ્રાહ્મણ સમાજને પ્રતિનિધિત્વ આપવાનું હોય તો માંડવીના ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેનું નામ મોખરે છે અને તેમને ફોન આવી શકે છે.
- ત્રિકમભાઈ છાંગા (અંજારના ધારાસભ્ય): જો અમદાવાદના અમૂલ ભટ્ટને બ્રાહ્મણ સમાજમાંથી લેવામાં આવે તો કચ્છમાંથી અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાનું નામ ચર્ચામાં આવે છે. તેઓ સંઘ સાથે વર્ષોથી સંકળાયેલા છે અને સ્વચ્છ પ્રતિભા ધરાવતા હોવાથી તેમની સંભાવના પ્રબળ છે.
- કેશુભાઈ પટેલ (ભુજના વિધાયક): જો કચ્છમાંથી પટેલ સમાજને સ્થાન આપવાનું હોય તો ભુજના વિધાયક કેશુભાઈ પટેલ સિવાય અન્ય કોઈ નામ ફિટ બેસતું નથી.
- ક્ષત્રિય સમાજનું પ્રતિનિધિત્વ: ક્ષત્રિય સમાજને સાચવવાની વાત આવે તો રાપરના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજા ફેવરીટ બની શકે છે. સાથે જ અબડાસાના પ્રદ્યુમનસિંહ જાડેજા પણ બે-બે ટર્મથી ધારાસભ્ય હોવાથી તેમને પણ તક મળી શકે છે.
- માલતીબેન મહેશ્વરી (ગાંધીધામના ધારાસભ્ય): એવી અટકળો છે કે નવા મંત્રીમંડળમાં ત્રણ મહિલા મંત્રી હશે, જેમાં કચ્છના ગાંધીધામ વિસ્તારના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનું નામ ચર્ચામાં છે. તેઓ સતત બે ટર્મથી ચૂંટાતા આવ્યા છે અને સાલસ-સરળ સ્વભાવને કારણે તેમના નામ પર મહોર લાગી શકે છે.
પટેલ અને ક્ષત્રિયની બાદબાકીની પણ શક્યતા
પક્ષ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, નવા મંત્રીમંડળમાં પટેલોની સંખ્યા સારી એવી હશે. જો મુખ્યમંત્રી પટેલ હોય અને કચ્છ સિવાયના વગવાળા પટેલ નેતાઓને લેવાય, તેમજ જો લીંબડીના ધારાસભ્ય કિરીટસિંહ રાણા અને વર્તમાન મંત્રી બળવંતસિંહ રાજપૂતને રિપીટ કરાય તો કચ્છમાંથી પટેલ અને ક્ષત્રિયોની બાદબાકી પણ થઈ શકે છે. જો જ્ઞાતિ સમીકરણમાં બ્રાહ્મણ ચહેરો અમદાવાદનો હોય તો ત્રિકમભાઈ છાંગાનું નામ બાજી મારી જાય તેમ છે.
કચ્છનો રાજકીય ઇતિહાસ
અગાઉની સરકારોમાં કચ્છના અનેક નેતાઓએ મહત્વના પદો શોભાવ્યા છે. સ્વ. કુંદનભાઈ ધોળકિયા વિધાનસભા સ્પીકર બન્યા હતા, જ્યારે પ્રેમજીભાઈ ઠક્કર અને રામજીભાઈ ઠક્કર મંત્રી રહી ચૂક્યા છે. સુરેશભાઈ મહેતા મુખ્યમંત્રી બન્યા હતા. આ પહેલાં સ્વ. ખીમજીભાઈ જેસંગ, સ્વ. હરિભાઈ પટેલ, સ્વ. નવીનભાઈ શાત્રી પણ સરકારમાં રહી ચૂક્યા છે. સૌથી વધુ વખત મંત્રી તરીકે ત્રણ વખત અંજારના પ્રતિનિધિ વાસણભાઈ આહીર રહ્યા છે, જેઓ સંસદીય સચિવ તરીકે પણ બેવાર જવાબદારી સંભાળી ચૂક્યા છે. ડો. નીમાબેન આચાર્ય પણ વિધાનસભા અધ્યક્ષ રહી ચૂક્યા છે, અને આનંદીબેનની સરકાર વખતે સ્વ. તારાચંદભાઈ છેડા પણ પ્રધાન હતા. સ્વ. ધીરૂભાઈ શાહ અધ્યક્ષ બની ચૂક્યા છે, અને બાબુભાઈ મેઘજી શાહ નાણામંત્રી જેવા મહત્ત્વના પદે હતા.
મોટી બહુમતી મળ્યા પછી પણ અઢી વર્ષ પહેલાં કચ્છને મંત્રીમંડળમાં સ્થાન ન મળતાં ‘ઠેંગો’ મળ્યો હતો, ત્યારે આ ફેરબદલના સંકેતોથી કચ્છના રાજકારણમાં ભારે ઉત્તેજના વ્યાપી છે. હવે જોવાનું એ રહે છે કે, હાઇકમાન્ડ કોના પર કળશ ઢોળે છે અને કચ્છને આ દિવાળીએ મંત્રીપદની ‘ફળશ્રુતિ’ મળે છે કે નહીં.