ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ‘કુપોષણમુક્ત ગુજરાત’ના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો અહેવાલ સામે આવ્યો છે. કેન્દ્ર સરકારે સંસદમાં રજૂ કરેલા આંકડાઓ અનુસાર, ગુજરાતમાં ૩.૨૧ લાખથી વધુ આદિવાસી બાળકો કુપોષણનો શિકાર છે. આ આંકડા રાજ્યમાં કુપોષણ સામેની લડતમાં સરકારની નિષ્ફળતા અને યોજનાઓના અમલીકરણમાં રહેલી ખામીઓને ઉજાગર કરે છે.
રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે કુપોષણ નિવારણ માટે કરોડો રૂપિયાનું બજેટ ફાળવવામાં આવે છે અને પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કુપોષણમુક્ત ગુજરાત અભિયાન, નમોશ્રી યોજના, પ્રધાનમંત્રી સુરક્ષા માતૃત્વ યોજના, મમતા અભિયાન જેવી અનેક યોજનાઓ અમલમાં છે. તેમ છતાં, કુપોષિત બાળકોની સંખ્યામાં ચાર ગણો વધારો નોંધાયો છે, જે દર્શાવે છે કે આ યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ બાળકો સુધી પહોંચી રહ્યો નથી.
આંકડાકીય વિગતો:
This Article Includes
જૂન-૨૦૨૫ સુધીના આંકડા મુજબ, ગુજરાતમાં કુપોષિત આદિવાસી બાળકોની વિગતો નીચે મુજબ છે:
- ઓછું વજન ધરાવતા બાળકો: ૧,૭૧,૫૭૦
- અતિ ઓછું વજન ધરાવતા બાળકો: ૧,૧૧,૮૬૨
- ઓછી ઊંચાઈ ધરાવતા બાળકો: ૩૭,૬૯૫
આમ, કુલ મળીને ૩,૨૧,૧૨૭ આદિવાસી બાળકો કુપોષિત છે, જે ગુજરાતમાં પોષણની સ્થિતિની ગંભીરતા દર્શાવે છે.
અન્ય રાજ્યોની સરખામણી:
ચિંતાજનક બાબત એ છે કે ગુજરાત કરતાં બિહાર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, ત્રિપુરા, કેરળ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં કુપોષિત આદિવાસી બાળકોની સંખ્યા ઓછી છે. આ દર્શાવે છે કે અન્ય રાજ્યોએ કુપોષણ સામેની લડતમાં વધુ ધ્યાન આપ્યું છે.
સરકાર દ્વારા કુપોષણનું કારણ જનજાગૃતિનો અભાવ, આર્થિક ગરીબી અને અપૂરતો આહાર જેવા પરિબળોને આપવામાં આવે છે. જોકે, કરોડો રૂપિયાના બજેટ ખર્ચાયા પછી પણ કુપોષણના દરમાં ચિંતાજનક વધારો ભ્રષ્ટાચાર અને યોજનાઓના નબળા અમલીકરણ તરફ ઈશારો કરે છે.