ગાંધીધામ ટુડે, ન્યૂઝ : મહાનગરપાલિકા ઘોષણાથી ગાંધીધામમાં સમાવવામાં આવેલ મેઘપર બોરીચી અને કુંભારડી વિસ્તારના નાગરિકો લાંબા સમયથી લીલાશાહ ફાટકની સમસ્યાથી પરેશાન છે. આદિપુર-ગાંધીધામને જોડતો માર્ગ વચ્ચે આવેલો આ ફાટક દરરોજ હજારો નાગરિકોની અવરજવર માટે અવરોધરૂપ બની રહ્યો છે.
લીલાશાહ ફાટક પર અંડરબ્રીજ માટે પહેલા 2022માં વડાપ્રધાનના હસ્તે ઓનલાઇન ખાતમુહૂર્ત કરાયો હતો. ત્યારબાદ ચૂંટણીની આચાર સંહિતાથી એક દિવસ પહેલા, 16 માર્ચ 2024ના રોજ ફરી એકવાર ધારાસભ્યોએ જમીન પર શ્રીફળ ફોડીને ખાતમુહૂર્ત કર્યું હતું. પરંતુ મળતી માહિતી અનુસાર આજે સુધી જમીન સંપાદન પણ પૂર્ણ થયું નથી, જેના કારણે અંડરબ્રીજનું કામ શરૂ થવાનું હજુ પણ અનિશ્ચિત છે.
અંદાજે ₹30 કરોડથી વધુ ખર્ચના આ પ્રોજેક્ટ માટેના વાયદાઓ હવે નાગરિકોમાં અસંતોષ ઉભો કરી રહ્યા છે. લોકોની આજુબાજુની શાળાઓ, નોકરી અને રોજિંદા કામ માટે દિનચર્યા આ ફાટક પરથી જ પસાર થતી હોવાથી રસ્તા બંધ રહેવા પર ભારે હાલાકી પડે છે. દરરોજ 20 હજારથી વધુ લોકો અને 100 જેટલી ટ્રેનો પસાર થતી હોવાથી ફાટક દિનમાં લગભગ 70 વખત બંધ થાય છે.
આંદોલન, ધરણા અને ભુખ હડતાલની ચીમકીઓ છતાં કામગીરી શરૂ ન થવી એ નાગરિકોને રાજકારણીઓ દ્વારા છેતરાવાની લાગણી અપાવે છે. પ્રશાસનની આ ધીમી ગતિ અંગે લોકોમાં ગુસ્સો વધી રહ્યો છે અને હવે તાત્કાલિક પગલાંની માગ ઉઠી રહી છે.