શું ગુજરાતમાં ડ્રગ્સનો કાળો કારોબાર ખતમ થઈ જશે? હર્ષ સંઘવીના આ નિવેદનથી સમગ્ર ગુજરાતમાં ખળભળાટ!

  • ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીના વરદહસ્તે કચ્છના શિણાય ખાતેથી રૂ.૧૯.૮૨ કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ માળખાકીય કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ
  • કચ્છ પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નીડરતાથી કડક પગલાં લીધા છે : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
  • કચ્છના સરહદી વિસ્તારમાં હાજીપીર, ધોરડો અને બાલાસર પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થાની મજબૂત બનશે : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
  • કચ્છની સરહદથી ડ્રગ્સ ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા : ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી
  • કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી અને ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રી

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : આજરોજ ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ કચ્છના શિણાય ખાતેથી રૂ. ૧૯.૮૨ કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ માળખાકીય વિકાસકામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ કર્યું હતું.

કચ્છ પોલીસને શ્રેષ્ઠ કામગીરી બદલ અભિનંદન આપીને ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, પોલીસે જિલ્લામાં ગેરકાયદેસર બાંધકામ કરનારા દબાણકર્તાઓ અને અસામાજિક તત્વો સામે નીડરતાથી કડક પગલાં લીધા છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાત પોલીસ કોઈપણ પ્રકારના ગેરકાયદે જમીન દબાણને ચલાવી લેશે નહીં. કચ્છ પોલીસની ધાક બેસાડતી કાયદાકીય કાર્યવાહી સાથે ગૌસેવા, શિક્ષણ વગેરે સામાજિક કાર્યોને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ બિરદાવ્યા હતા.

Advertisements

સરહદી સુરક્ષાના સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ક્યારેય પણ ના કરી શકાય એ વાતને સ્પષ્ટ કરીને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, કચ્છના સરહદી વિસ્તારોમાં હાજીપીર, ધોરડો અને બાલાસર ખાતે પોલીસ સ્ટેશનના કાર્યરત થવાથી કાયદો અને વ્યવસ્થા જાળવણી મજબૂત બનશે. ગુજરાત પોલીસે સરહદ પારથી ઘુસાડવામાં આવતા ડ્રગ્સના દૂષણને નાથવા માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રિય ગૃહમંત્રીશ્રી અમિત શાહ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એક અભિયાન હાથ ધર્યું છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં કરોડો રૂપિયાની કિંમતના ડ્રગ્સને ગુજરાતની કચ્છ સરહદથી ઘુસાડીને રાજ્યના યુવાનોને બરબાદ કરવાના પ્રયાસોને કચ્છ પોલીસે નિષ્ફળ બનાવ્યા છે. પોલીસે ડ્રગ્સના દૂષણને ડામવા માટે માત્ર ગુજરાત જ નહીં પણ આંતરરાજ્ય ડ્રગ્સ રેકેટને ઝડપવામાં સફળતા મેળવી છે. યુવાનોનું ડ્રગ્સથી જીવન બરબાદ કરનારા તત્વોને રાજ્યની પોલીસ વિવિધ કાયદાઓ હેઠળ પકડીને ધાક બેસાડતી કાર્યવાહી કરી રહી છે. ડ્રગ્સના દૂષણને ખત્મ કરવા ગુજરાત પોલીસે અભિયાન હાથ ધર્યું છે અને તેના પરીણામે આજે કચ્છમાં લાખો રૂપિયાનું જપ્ત કરાયેલું ડ્રગ્સ વૈજ્ઞાનિક ઢબે નાશ થવા જઈ રહ્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના નાગરિકો કોઈપણ ભય વિના સુખચેન જીવન વ્યતિત કરે તે માટે પોલીસ રાત-દિવસ કામગીરી કરી રહી છે. સુરત બાદ કચ્છ બોર્ડર રેન્જની શ્રેષ્ઠ કામગીરી બદલ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ રેન્જ આઇજી શ્રી ચિરાગ કોરડિયાને અભિનંદન આપ્યા હતા. કચ્છની પોલીસ આજે નાગરિકોને વ્યાજના દૂષણમાંથી મુક્ત કરાવીને બેંક લોન અપાવી રહી છે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ વ્યાજખોરોના દૂષણને ડામવા માટે ગુજસીટોક સહિતની કામગીરીને સમગ્ર રાષ્ટ્ર માટે ઉદાહરણરૂપ ગણાવીને પૂર્વ કચ્છ પોલીસને અભિનંદન પાઠવ્યા હતા. કોઈપણ વ્યક્તિ વ્યાજના દૂષણમાંથી મુક્ત થવા ઈચ્છતી હોય ભય વિના પોલીસનો સંપર્ક કરે તેમ ગૃહ રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કર્યો હતો.

કચ્છમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની પોલીસની ડ્રાઈવ વિષે માહિતી આપતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય સુરક્ષાને પ્રાથમિકતા આપીને કચ્છના નગરો, પોર્ટ વિસ્તારો અને ગામડાઓના ૬૭૫થી વધુ એકરના દબાણો દૂર કરીને જમીન ખુલ્લી કરાવવાની કામગીરી કચ્છ પોલીસે રાજ્ય સરકારના માર્ગદર્શનમાં કરી છે.‌

પોલીસની માળખાકીય સુવિધાઓ તેમજ પોલીસ પરિવારના કાર્યોને બિરદાવતા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બાલાસર, ધોરડો અને હાજીપીર પોલીસ સ્ટેશન રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ બની રહેશે. પોલીસ સ્ટેશનના કાર્યાન્વિત થવાથી કાયદાને લગતી જનસુવિધાઓમાં વધારો થશે સાથે રાષ્ટ્રીય સુરક્ષા સુદ્રઢ બનશે. ધોરડો પોલીસ સ્ટેશન આગામી દિવસોમાં પ્રવાસીઓની સેવા અને સુરક્ષામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ગૃહ રાજ્યમંત્રીશ્રીએ શિણાય પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોલીસ પરિવાર તેમજ શ્રેષ્ઠીઓના સહકારથી સંચાલિત ગૌશાળાને ખુલ્લી મુકી હતી. પોલીસ ગુનેગારોને પણ પકડે અને ખંતથી ગૌસેવા પણ કરે આ પહેલને પ્રેરણાદાયી જણાવીને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. રાજ્યમાં ગૌહત્યાને રોકવા માટે કાયદાની કડક અમલવારી વિશે જાણકારી આપીને તેઓએ ઉમેર્યું હતું કે, ગુજરાત પોલીસે ૧૫થી વધુ ગૌહત્યાના ગુનેગારોને ૭થી ૧૦ વર્ષની આકરી સજા અપાવવામાં સફળતા મેળવી છે.

કચ્છ રેન્જની બનાસકાંઠામાં ગૌશાળાની જમીન ઉપરના દબાણો દૂર કરવાની ત્વરિત કાર્યવાહીને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પ્રસંશનીય ગણાવી હતી. પોલીસ પરિવાર માટે વેલ્ફેર સેવા, ગૌસેવા, સામાજિક કાર્યો વગેરે બાબતોને આવરી લઈને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ ગુજરાત પોલીસ એ દુનિયાનું સૌથી મોટું સહકુટુંબ છે તેમ જણાવ્યું હતું.

હંમેશાની જેમ જ દેશ સેવામાં સદાય તત્પર રહેવા માટે પોલીસ કર્મયોગીઓને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ અનુરોધ કરતા જણાવ્યું હતું કે, સેવા કાર્યોમાં ગુજરાત પોલીસ ક્યારેય પણ પીછેહઠ નહીં કરે. નાગરિકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ સરહદી વિસ્તારમાં કોઈપણ શંકાસ્પદ હલચલ જણાઈ તો પોલીસને જાણ કરવા ગૃહ રાજ્યમંત્રીશ્રીએ અપીલ કરી હતી.

આ લોકાર્પણ અને ખાતમૂહુર્ત પ્રસંગે પશ્ચિમ કચ્છ પોલીસ તેમજ પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ પ્રશસ્તિ પત્ર દ્વારા ગૃહ રાજ્યમંત્રીશ્રીના હસ્તે સન્માન કરાયું હતું. પોલીસ પરિવારના તેજસ્વી બાળકોને ધો.૧૦ અને ધો.૧૨ માં વિશિષ્ટ શૈક્ષણિક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ ગૃહ રાજ્યમંત્રીશ્રીના વરદ હસ્તે સન્માિત કરાયા હતા.

ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતિ માલતીબેન મહેશ્વરીએ પ્રાસંગિક પ્રવચન દરમિયાન કચ્છ જિલ્લામાં ‘લૉ એન્ડ ઓર્ડર’ની ઉત્તમ અમલવારી સાથે ગૌસેવા, શિક્ષણ વગેરે ક્ષેત્રના પોલીસના ઉમદાકાર્યોને સમાજ માટે પ્રેરણાદાયી ગણાવ્યા હતા. વિવિધ માળખાકીય સુવિધાઓ નાગરિકો અને પોલીસ‌ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે એમ વિશ્વાસ ધારાસભ્યશ્રીએ વ્યક્ત કર્યો‌ હતો.

સ્વાગત પ્રવચન દરમિયાન કચ્છ બોર્ડર રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયાએ લોકાર્પણ અને ખાતમૂહુર્તના વિવિધ કામોની ભેટ બદલ ગૃહરાજ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો. કચ્છના સરહદી વિસ્તારમાં અત્યાધુનિક પોલીસ સ્ટેશનના નિર્માણ અને મરીન યુનિટ દ્વારા રાષ્ટ્રીય સુરક્ષા સુદઢ બનશે તેમ તેઓએ ઉમેર્યું હતું.

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વશ્રી માલતીબેન મહેશ્વરી, શ્રી કેશુભાઈ પટેલ, શ્રી ત્રિકમભાઈ છાંગા, શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા, અગ્રણીશ્રી દેવજીભાઈ વરચંદ અને ધવલભાઈ આચાર્ય, કચ્છ બોર્ડર રેન્જ આઇજીશ્રી ચિરાગ કોરડીયા, મરીન ટાસ્ક ફોર્સના ડીઆઈજીશ્રી રાજન સુશરા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સાગર બાગમાર, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, પ્રાંત અધિકારીશ્રી સુરેશ ચૌધરી, મામલતદારશ્રી જાવેદ સિંધી સહિત પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ, પોલીસ કર્મચારીશ્રીઓ તેમજ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

કચ્છના શિણાય ખાતેથી રૂ. ૧૯.૮૨ કરોડથી વધુના પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ માળખાકીય કામોનું ખાતમૂહુર્ત અને લોકાર્પણ

રૂ.૨૭૪.૧૧ લાખના ખર્ચે અદ્યતન સુવિધાઓ સાથે બાલાસર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, શિણાય પોલીસ હેડ ક્વાટર્સ ખાતે લોકભાગીદારીથી અંદાજે રૂ. ૫૦ લાખના ખર્ચે ગૌમાતાની સેવા માટે ગૌશાળાનું નિર્માણ અને લોકાર્પણ, શિણાય પોલીસ હેડ ક્વાટર્સ ખાતે પોલીસ અધિકારીશ્રીઓ, કર્મચારીઓ તેમજ પોલીસ પરિવારના સભ્યો માટે અદ્યતન સુવિધાઓ સાથે લાયબ્રેરીનું લોકાર્પણ, ગાંધીધામ અને આદિપુર સિટી ટ્રાફિક ઓફિસનું રૂ. ૪૫ લાખના ખર્ચે ખાતમૂહુર્ત, રૂ. પ૮૨ લાખના ખર્ચે તૈયાર કરવામાં આવેલા મરીન પોલીસ અધિક્ષકશ્રીની કચેરી અને ક્વાર્ટર ગાર્ડ બિલ્ડીંગનું લોકાર્પણ, રાજ્ય સરકાર દ્વારા નવા મંજૂર થયેલા ધોરડો અને હાજીપીર પોલીસ સ્ટેશનનું લોકાર્પણ, રૂ. ૧૦૩૧.૪૯ લાખના ખર્ચે નિર્મિત મુન્દ્રા અને મરીન ટાસ્કના ૨૪૦ પોલીસ આવાસનું લોકાર્પણ

Advertisements

આજરોજ કચ્છના શિણાય પોલીસ હેડ ક્વાટર્સ ખાતેથી ગૃહરાજ્યમંત્રીશ્રીના વરદ હસ્તે પોલીસ પરિવાર અને નાગરિક સુરક્ષા-સુવિધાલક્ષી વિવિધ ઇમારતોના કુલ રૂ.૧૯૮૨ લાખથી વધુના ખાતમૂહુર્ત અને લોકાર્પણ સંપન્ન થયા હતા.‌

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Submit Comment