ગાંધીધામ ટુડે, ન્યૂઝ : બંગાળની ખાડીમાં ઉદ્ભવેલી એક હવામાન પ્રણાલી ગુજરાત તરફ આગળ વધી રહી છે, જે આગામી દિવસોમાં સમગ્ર રાજ્યમાં, ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ લાવશે. આ પાંચ વર્ષમાં ત્રીજી વખત બનશે જ્યારે બંગાળની ખાડીથી શરૂ થયેલી સિસ્ટમ કચ્છ-ગુજરાત સુધી પહોંચીને ડિપ્રેશનમાં ફેરવાઈ હોય.
ભારતીય હવામાન વિભાગ (IMD) અનુસાર, હાલમાં આ સિસ્ટમ ઉત્તર-પશ્ચિમ મધ્યપ્રદેશ અને નજીકના પૂર્વ રાજસ્થાન પર લો-પ્રેશર વિસ્તાર તરીકે સક્રિય છે. તે 7 સપ્ટેમ્બર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં ફેરવાશે તેવી સંભાવના છે, જેની સીધી અસર ગુજરાતના હવામાન પર જોવા મળશે. આ ઉપરાંત, ચોમાસુ ટ્રફ અને અન્ય એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ પણ સક્રિય હોવાથી વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે.
કચ્છ-સૌરાષ્ટ્ર માટે ખાસ ચેતવણી
This Article Includes
IMD દ્વારા કચ્છ અને સૌરાષ્ટ્ર માટે ખાસ ચેતવણી જારી કરવામાં આવી છે. 6ઠ્ઠી અને 7મી સપ્ટેમ્બરે પરિસ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ બે દિવસ દરમિયાન છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ ગંભીર આગાહીને પગલે સ્થાનિક વહીવટીતંત્રને સાવચેતીના પગલાં લેવા સૂચના અપાઈ છે.
NDRF ટીમ સ્ટેન્ડબાય પર
આગાહીને ધ્યાનમાં રાખીને, ભુજમાં NDRF (નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ)ની એક ટીમ સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે. માધાપર યક્ષ મંદિર પાસે 30 સભ્યોની આ ટીમ બચાવ કાર્ય માટેની તમામ સામગ્રી સાથે તૈયાર છે. ડિઝાસ્ટર નાયબ મામલતદાર દિનેશ સુથારે જણાવ્યું કે જો ભારે વરસાદને કારણે કોઈ બચાવ કાર્યની જરૂર પડશે તો NDRFની ટીમ સજ્જ છે.
અગાઉની સિસ્ટમ્સ: 2021 ‘શાહીન’ અને 2024 ‘આસના’
આ પહેલીવાર નથી જ્યારે બંગાળની ખાડીની સિસ્ટમ ગુજરાત સુધી પહોંચી હોય. અગાઉ, આવી જ બે સિસ્ટમ્સ રાજ્યમાં ત્રાટકી હતી:
- 2021: ગુલાબ/શાહીન: સપ્ટેમ્બર 2021ના અંતમાં, બંગાળની ખાડીમાં ‘ગુલાબ’ વાવાઝોડું ઉદ્ભવ્યું હતું. ઓડિશામાં તબાહી મચાવ્યા બાદ તે ગુજરાતમાં પ્રવેશ્યું અને ભારે વરસાદ લાવ્યું. ત્યારબાદ તે ડિપ્રેશનમાં ફેરવાઈને કચ્છના અખાતમાં ‘શાહીન’ વાવાઝોડાનું રૂપ લીધું અને ઓમાન તરફ આગળ વધ્યું.
- 2024: ડીપ ડિપ્રેશન/આસના: 16 ઓગસ્ટ 2024ના રોજ બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર સિસ્ટમ શરૂ થઈ. 26 ઓગસ્ટના રોજ રાજસ્થાન અને ગુજરાતમાં પ્રવેશ કરતા તે ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ. 27 ઓગસ્ટના રોજ તેની ગતિ ધીમી પડતાં તે કચ્છમાં સ્થિર થયું અને 30 ઓગસ્ટના રોજ લખપતના કાંઠે ‘આસના’ ચક્રવાતમાં પરિવર્તિત થયું. આ વાવાઝોડાના કારણે કચ્છમાં ભારે વરસાદ થયો હતો.
આગામી ત્રણ દિવસમાં ગુજરાતમાં વરસાદની સંભાવના જોતાં, લોકોને સાવચેત રહેવા અને જરૂરી સાવચેતીના પગલાં લેવા વિનંતી કરવામાં આવી છે.