ગાંધીધામ ટુડે, ન્યૂઝ: અંજાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વાયર ચોરીના બનાવોને અંજામ આપી ખેડૂતોમાં ચિંતા જગાવનારી એક મોટી તસ્કર ટોળકીને અંજાર પોલીસે ઝડપી પાડી છે. આ ટોળકીમાં એક મહિલા સહિત છ શખ્સોની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી રૂ. 3,42,000નો ચોરાઉ મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
કેવી રીતે પકડાઈ ટોળકી?
This Article Includes
નાગલપર, ચંદિયા અને લોદારીયા જેવા વાડી વિસ્તારોમાં વાયર ચોરીના બનાવો વધતાં પોલીસે તપાસ શરૂ કરી હતી. ચોક્કસ પૂર્વ બાતમીના આધારે પોલીસે ખંભરા-નાગલપર રોડ પર શંકર ભગવાનના મંદિર પાસે વોચ ગોઠવી હતી. GJ-12-AP-5427 નંબરની બોલેરો આવતાં તેને રોકાવી તલાસી લેવાઈ હતી, જેમાં ચોરીનો માલ મળી આવ્યો હતો.
પકડાયેલા આરોપીઓ અને જપ્ત થયેલો માલ
પોલીસે પકડેલા આરોપીઓમાં માધાપરના શોભાબેન ઉર્ફે મલુ મંગલ અશોક પરમાર (મહિલા), બેચર સારા પરમાર, દડુ કાળુ પરમાર, ભુજના મામદહુશેન ખમીશા મોખા, પૈયાના સાજીદ જાનમામદ મોખા તથા અબ્બાસ ઉર્ફે હનીફ ઉમર મણકાનો સમાવેશ થાય છે.
આ ટોળકી પાસેથી કુલ રૂ. 3,42,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં:
- 75 કિલો વાયરનો જથ્થો
- બોલેરો ગાડી
- પાંચ મોબાઈલ
- એક કટર અને બે ગીલોલ
આરોપીઓની સઘન પૂછપરછમાં તેમણે ચંદિયા અને લોદારીયા વાડી વિસ્તારોમાંથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી, જેના પગલે પોલીસે બે ચોરીના ભેદ ઉકેલી લીધા છે. પોલીસે વધુ તપાસ અને અન્ય કોઈ બનાવને અંજામ આપ્યો છે કે કેમ તે જાણવા માટે આરોપીઓને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યવાહી પીઆઈ એ.આર. ગોહિલ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
અંજારમાં ચોરાઉ બેટરી સાથે બે યુવકો ઝડપાયા
ગાંધીધામ ટુડે, ન્યૂઝ: અંજારમાં ચોરાઉ બેટરી સાથે બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ અંગે મળતી માહિતી મુજબ, અંજાર પોલીસે તપાસ દરમિયાન અંજાર ટાઉન વિસ્તારમાંથી બે બેટરી સાથે બે આરોપીઓને પકડ્યા હતા.

ઝડપાયેલા યુવકોની ઓળખ ૨૦ વર્ષીય કેવલ કનૈયાલાલ પલણ અને ૧૯ વર્ષીય હર્ષિલ જીતેશભાઈ પલણ (રહે. બન્ને અંજાર) તરીકે થઈ છે. પોલીસે બંને યુવકો પાસેથી બે બેટરી અંગે આધાર પુરાવા માંગતા તેમની પાસે કોઈ પુરાવા મળ્યા નહોતા.
જેના પગલે, પોલીસે બે બેટરી કબજે કરીને બંને આરોપીઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.