ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના ગુરુકુળ નજીક વોર્ડ 7-ડી વિસ્તારમાં એક અજાણ્યા શખ્સે ધાર્મિક વાતોમાં વિશ્વાસમાં લઈ મહિલાને શરીરમાં નડતર હોવાનું જણાવી 14.40 લાખ રૂપિયાના સોનાના દાગીનાની ચોરી કરી હતી. આ ઘટના અંગે દિનેશકુમાર ભાણજી પટેલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ગઈકાલે સવારે જ્યારે દિનેશકુમાર અને તેમના બે દીકરા ઓફિસે ગયા હતા, ત્યારે તેમના ઘરે તેમના માતા-પિતા, પત્ની ગીતાબેન અને પુત્રવધૂ હાજર હતા. ત્યારે એક 40 વર્ષીય અજાણ્યો શખ્સ ગીતાબેનના ઘરે આવ્યો હતો અને ધાર્મિક વાતો કરીને તેમને વિશ્વાસમાં લીધા હતા.
આ શખ્સે ગીતાબેનને તેમના કમરના દુખાવા અને ઘરમાં થતી નુકસાની અંગે વાત કરી હતી. તેણે વિધિ કરવાનું કહીને તેમના ગુરુ સાથે ફોન પર વાત કરાવી હતી. ત્યારબાદ, શખ્સે પાણી મંગાવીને તેના પર મંત્રો ફૂંકીને ગીતાબેન પર છાંટ્યું હતું. તેણે ઘરમાં રહેલું સોનું અશુદ્ધ હોવાનું જણાવીને શુદ્ધિકરણ કરવાની વાત કરી હતી.
પાણી છાંટ્યા બાદ ગીતાબેન બેભાન જેવા થઈ ગયા હતા, અને શખ્સે કહ્યા મુજબ તેમણે કબાટમાંથી 36 તોલા સોનાના દાગીના કાઢીને એક માટલામાં મૂક્યા હતા, જેની કિંમત 14.40 લાખ રૂપિયા હતી. જ્યારે ગીતાબેન ગંગાજળ લેવા ગયા, ત્યારે તે શખ્સ દાગીના લઈને ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ મહિલા દોઢ-બે કલાક સુધી બેભાન રહ્યા હતા. પોલીસે આ અજાણ્યા શખ્સ અને તેના ગુરુ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
ધાર્મિક વૃત્તિ ધરાવતા લોકો અંધશ્રધ્ધાથી ચેતી જાય
તમારા ઉપર ખરાબ નજર છે, કાળું ધોળું કરાયું છે,નડતર છે કહી અત્યારના સમયમાં અનેક લેભાગુ તત્વો ભુવા બની લોકોને ડરાવી તેમના ડરનો લાભ લઇ વિશ્વાસઘાત કરી રહ્યા છે. વિજ્ઞાન જાથાએ પણ 1270 પર્દાફાશ કરી લોકોને જાગૃત રહેવા અપીલ કરી છે પરંતુ તેમ છતાં લોકો અંધશ્રધ્ધામાં વીશ્વાસ કરી વિશ્વાસઘાતનો ભોગ બની રહ્યા છે. આવા અંધશ્રધ્ધા ફેલાવી રહેલા તત્વોથી લોકો ચેતી જાય તે જરૂરી છે.