ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના વાવાઝોડાં કેમ્પ વિસ્તારમાં પીવાના પાણીની અછતને લઈને સ્થાનિક મહિલાઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો અને સ્થાનિક કોર્પોરેટરનો ઘેરાવ કર્યો હતો. મહિલાઓએ ઘણા સમયથી ચાલી આવતી પાણીની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ લાવવાની માંગ કરી હતી.
મળતી માહિતી મુજબ, વાવાઝોડાં કેમ્પ વિસ્તારમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં ન મળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગઈકાલે સવારે જ્યારે મહિલાઓ કોર્પોરેટર પપ્પુ ધેડાને ઘેરવા પહોંચી ત્યારે તેમણે જણાવ્યું હતું કે તાકીદે સમસ્યાનું સમાધાન શક્ય નથી, પરંતુ આગામી સપ્લાય દરમિયાન પાણી મળી રહેશે તેવું આશ્વાસન આપ્યું હતું. જોકે, લોકો આશ્વાસનથી સંતુષ્ટ ન હતા અને પાણી મળી રહે તે માટે શું વ્યવસ્થાઓ કરવામાં આવશે તે અંગે સ્પષ્ટ જવાબ માંગી રહ્યા હતા. આખરે, આગામી સપ્લાય દરમિયાન પાણી મળી રહેશે તેવી ખાતરી આપવામાં આવતા મામલો થાળે પડ્યો હતો.
સ્થાનિક મહિલાઓએ જણાવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી મહાનગરપાલિકાને પાણી બાબતે વારંવાર રજૂઆતો કરવા છતાં તેમની સમસ્યાનો ઉકેલ આવતો નથી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ટપ્પર ડેમમાં પીવાના પાણીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. તેમ છતાં, ટપ્પરથી વરસામેડી અને વરસામેડીથી ગાંધીધામ સુધી પાણીનો જથ્થો પૂરતા પ્રમાણમાં પહોંચી શકતો નથી, જે જળવિતરણ વ્યવસ્થામાં રહેલી ખામીઓ તરફ ઇશારો કરે છે. આ સમસ્યાના કારણે ગાંધીધામના અનેક વિસ્તારોમાં લોકોને પાણીની અછતનો સામનો કરવો પડી રહ્યો છે.
આ મામલે સ્થાનિક તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે યોગ્ય કાર્યવાહી કરીને પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તેવી લોકો માંગ કરી રહ્યા છે.