ગાંધીધામ ટુડે, ન્યૂઝ : કચ્છના અદાણી પોર્ટ તરફ જતા મુખ્ય માર્ગો – આદિપુર-મુંદ્રા રોડ અને પ્રાગપર-અદાણી પોર્ટ રોડ – ના સમારકામનું કામ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે, તેવી ખાતરી રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગે આપી છે. આ ખાતરી ટ્રાન્સપોર્ટ સંગઠનો સાથેની બેઠક બાદ આપવામાં આવી છે.
તાજેતરમાં, કચ્છના તમામ ટ્રાન્સપોર્ટ સંગઠનોએ ‘નો રોડ, નો ટોલ’ની મુહિમ શરૂ કરી હતી, જેમાં રસ્તાઓની ખરાબ હાલત સામે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. સંગઠનોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો રસ્તાઓનું સમારકામ ઝડપી નહીં થાય, તો આગામી 10 સપ્ટેમ્બરથી હડતાલ પાડવામાં આવશે.
આ મામલે, ટ્રાન્સપોર્ટ ઉદ્યોગના આગેવાનોએ માર્ગ અને મકાન વિભાગના ડેપ્યુટી એન્જિનિયર સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં, અધિકારીઓએ બે મુખ્ય રોડ – આદિપુર-મુંદ્રા અને પ્રાગપર-અદાણી પોર્ટ રોડનું કામ બે થી ત્રણ દિવસમાં શરૂ કરવાની ખાતરી આપી હતી. જોકે, ટ્રાન્સપોર્ટ સંગઠનોએ સ્પષ્ટ કર્યું છે કે જો આ ખાતરી મુજબ કામ શરૂ નહીં થાય, તો તેઓ નિર્ધારિત તારીખથી હડતાલ પર ઉતરશે.
આ સમારકામથી પોર્ટ તરફ માલસામાનની હેરફેર કરતા વાહનોને રાહત મળશે અને ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને થતું નુકસાન અટકાવી શકાશે તેવી આશા છે.