ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામના રાજવી ઓવરબ્રિજનું કામ લાંબા સમયથી અટવાયેલું હતું, પરંતુ હવે તે ફરી શરૂ થવાની સંભાવના છે. આ ઓવરબ્રિજની કામગીરી પાછળનું મુખ્ય કારણ બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ની જમીન સંપાદન ન થવું હતું. તાજેતરમાં ગાંધીધામના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયમાં રજૂઆત કરતા આ સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
ગાંધીધામમાં આવેલું રાજવી ફાટક (L.C. નંબર 3-X) શહેરની મધ્યમાં છે. આ ફાટકની એક બાજુ BSF કેમ્પ, દિલ્હી પબ્લિક સ્કૂલ, મંદિર અને રેડિશન હોટેલ જેવી સંસ્થાઓ છે, જ્યારે બીજી બાજુ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર અને ગાંધીધામ મહાનગરપાલિકાનો વિસ્તાર છે. આ ઉપરાંત, આ ફાટક શહેરને નેશનલ હાઇવે અને કંડલા એરપોર્ટ સાથે જોડતા મુખ્ય માર્ગ પર આવેલું છે.
આ ફાટક પરથી દરરોજ ભારે ટ્રાફિક પસાર થાય છે. મોટી સંખ્યામાં માલગાડીઓ અને પેસેન્જર ટ્રેનોની અવરજવરને કારણે ફાટક વારંવાર બંધ કરવું પડે છે, જેનાથી ઘણા લોકોનો સમય બરબાદ થાય છે અને ક્યારેક કટોકટીની પરિસ્થિતિમાં પણ મુશ્કેલીઓ ઊભી થાય છે.
આ સમસ્યાના નિવારણ માટે 1062 મીટર લાંબો અને ફોર-લેન બ્રિજ બનાવવાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ પ્રોજેક્ટ માટે કંડલા એરપોર્ટ તરફ જતા રસ્તા પર BSFની આશરે 3130 ચોરસ મીટર જમીન સંપાદિત કરવાની હતી. જોકે, આ જમીન સંપાદનની મંજૂરીની પ્રક્રિયા લાંબા સમયથી અટકેલી હતી.
આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને, ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી અને સાંસદ વિનોદ ચાવડાએ ભારત સરકારના ગૃહ મંત્રાલયના સંયુક્ત સચિવ સુષ્મા ચૌહાણ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં જમીન સંપાદનનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો. સંયુક્ત સચિવે આ બાબતને ગંભીરતાથી લઈ ફાઈલ મંગાવી હતી અને યોગ્ય કાર્યવાહી માટે સૂચનો આપ્યા હતા. તેમણે આશરે 20 દિવસમાં આ પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી છે.
જમીન સંપાદનનો પ્રશ્ન ઉકેલાયા બાદ હવે ટૂંક સમયમાં જ ઓવરબ્રિજનું કામ ફરી શરૂ થવાની શક્યતા ઊભી થઈ છે, જેનાથી રેલવે ક્રોસિંગ પર થતી ટ્રાફિક જામની સમસ્યામાંથી લોકોને મુક્તિ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.