ગાંધીધામ ટુડે, ન્યૂઝ : ગાંધીધામની મુખ્ય બજારમાં ટ્રાફિક અને દબાણની સમસ્યા હળવી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા મોટા પાયે કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય બજારમાંથી અતિક્રમણ દૂર કર્યા બાદ પાંચ કરોડના ખર્ચે બજારના વિકાસનો પ્લાન જાહેર થયો છે, ત્યારે હવે આ યોજનાના ભાગરૂપે મુખ્ય બજારની પાછળના ભાગે (સાઉથમાં) વિશાળ પાર્કિંગ પ્લોટ બનાવવાનું આયોજન ઘડીને તેના પર કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
140 બાઇક અને 55 ફોર-વ્હીલ પાર્ક થઈ શકશે
This Article Includes
સાઉથમાં બનનારા આ વિશાળ પાર્કિંગ પ્લોટની ડિઝાઇન પણ જાહેર કરવામાં આવી છે, જે મુજબ અહીં 140 બાઇક અને 55 ફોર-વ્હીલ પાર્ક થઈ શકશે. હાલના સમયે, આ પાર્કિંગ પ્લોટ માટે દબાણો દૂર કરવાની કામગીરી ચાલી રહી છે. દબાણમાં આવેલી બે માળની બિલ્ડિંગને પણ વેપારીઓ સ્વેચ્છાએ તોડી રહ્યા છે. મહાનગરપાલિકા તમામ દબાણો દૂર થવાની રાહ જોઈ રહી છે, તે વચ્ચે એજન્સીએ પાર્કિંગ પ્લોટ માટેનું કામ શરૂ કરી દીધું છે.
કમિશનરે રાત્રે કર્યું નિરીક્ષણ
કામગીરીની સમીક્ષા માટે રાત્રિના સમયે મ્યુનિસિપલ કમિશનર મનીષ ગુરુવાની અને નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈએ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. તેમની સાથે એન્જિનીયર પ્રણવ બૂચ અને સત્યપાલાસિંહ ઝાલા સહિતના કર્મચારીઓ પણ જોડાયા હતા. કમિશનરે કામગીરી અંગે જરૂરી સૂચનાઓ પણ આપી હતી.
નોર્થમાં પણ બનશે પાર્કિંગ પ્લોટ
વહીવટી તંત્ર દ્વારા માત્ર સાઉથમાં જ નહીં, પણ નોર્થમાં પણ એક વિશાળ પાર્કિંગ પ્લોટ બનાવવામાં આવશે. મુખ્ય બજારમાં ટ્રાફિક સહિતની સમસ્યાઓના નિવારણ માટે મહાનગરપાલિકા વહીવટી તંત્ર દ્વારા આ પગલાં ભરવામાં આવી રહ્યાં છે. આગામી સમયમાં કરોડો રૂપિયાના ખર્ચે વધુ વિકાસનાં કામો કરવાનું આયોજન પણ ઘડાઈ રહ્યું છે.