ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના ભીમાસર ગામ પાસે એક યુવકની તીક્ષ્ણ હથિયાર વડે ગળું કાપીને ઘાતકી હત્યા કરવામાં આવતા ચકચાર મચી ગઈ છે.અંજાર પોલીસે સરકાર તરફે અજાણ્યા શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
આ ઘટના આજે વહેલી સવારે બની હતી. મૃતકની ઓળખ અરુણકુમાર દેવ શાહુ તરીકે થઈ છે, જે મૂળ બિહારનો રહેવાસી હતો અને સ્થાનિક માધવ હોટેલમાં મજૂરી કરતો હતો.
પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, અરુણકુમારની લાશ ભીમાસર રેલવે સ્ટેશન તરફ જતા રસ્તા પરથી મળી આવી હતી. અજાણ્યા હુમલાખોરોએ છરી જેવા તીક્ષ્ણ હથિયારથી તેનું ગળું કાપી નાખ્યું હતું. આ ઘટનાની જાણ થતા જ અંજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી.
અંજારના પીઆઈ એ.આર. ગોહિલે જણાવ્યું હતું કે, પોલીસે અજાણ્યા શખ્સો વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. અરુણકુમાર અહીં પોતાની પત્ની રેખા સાથે રહેતો હતો. પોલીસે હત્યા પાછળનું કારણ અને હત્યારાઓને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરી દીધી છે.