ગાંધીધામ ટુડે, ન્યૂઝ : અંજાર તાલુકાના વરસામેડી ગામની સીમમાં અજાણ્યા આરોપીએ કોઈ ધારદાર હથિયાર વડે ૨૨ વર્ષીય યુવાનની હત્યા કરી નાખી હતી. આ ઘટનાને પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
ગઇકાલે સવારે લગભગ ૧૦ વાગ્યાના અરસામાં વેલસ્પન કંપનીમાં પતરા કોલોની પાછળ આવેલી બાવળની ઝાડીઓમાંથી એક અજાણ્યા યુવાનનો મૃતદેહ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. તપાસ દરમિયાન આ મૃતદેહ વિનય કુમાર યાદવનો હોવાનું બહાર આવ્યું હતું. મૃતક યુવાનને કોઈ હથિયારથી ગળાની જમણી બાજુ, માથાની પાછળની બાજુ અને બંને હાથની આંગળીઓમાં ઈજાઓ પહોંચાડવામાં આવી હતી.
પોલીસે નોંધાયેલી ફરિયાદને આધારે જણાવ્યું હતું કે વેલસ્પન કંપનીમાં કામ કરતો આ યુવાન ગત ૨૫મી એપ્રિલની રાત્રે સાડા આઠ વાગ્યાથી ગુમ હતો, એવી માહિતી મૃતકના સંબંધીઓએ આપી હતી. આ યુવાનની હત્યા કયા કારણોસર, કેવી રીતે અને કોણે કરી તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.